Wednesday, September 10, 2014

એક જમાનામાં આચાર્ય આનંદશંકર બાપુભાઇ ધુ્રવ જેવા તેજસ્વી વિદ્વાન, વિદ્યાબહેન નિલકંઠ અને શારદાબહેન મહેતા જેવા મહાન સમાજ સુધારકો, ચુનીલાલ સારાભાઇ હજરત, અંબરીશરાય હજરત, સીટી હાઇસ્કૂલનાં સ્થાપક - પ્રિન્સીપાલ શંકરપ્રસાદ પંડિત અને તેમનાં પુત્ર માધવપ્રસાદ પંડીત (લો કોલેજનાં પ્રિન્સીપાલ), સુરેન્દ્રરાય મેઢ, નવીનચંદ્ર દેસાઇ અને તેમનાં પુત્ર ગીરીરાજ દેસાઇ જેવા બાહોશ વકીલો, રામમોહનરાય જસવંતરાય દેસાઇ જેવા મહાન સમાજ સુધારકો ('સુંદરી સુબોધ', ૧૯૦૩,નાં સ્થાપક), ડો. અનીલ દીવેટીયા, વીણાબહેન મેઢ જેવા રાષ્ટ્રવાદી અઇને નારીવાદી નેતા, અને જયેન્દ્ર દુરકાળ જેવા તેજસ્વી નાગરોએ આકાશેઠકુવાની પોળમાં વસવાટ કરીને સમગ્ર અમદાવાદનાં શૈક્ષણીક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપ્યો હતો. નરસિંહરાવ દીવેટીયાએ એક પ્રસંગે કહ્યું હતું કે ''ગુજરાતી ભાષાને સંસ્કારી સ્વરૃપ આપવામાં આકાશેઠકુવાની પોળ અને લાખા પટેલની પોળનું પ્રદાન ઘણું મહત્વનું છે.'' વિદ્યાબહેન (૧૮૭૬-૧૯૫૮) અને શારદાબહેનનાં (૧૮૮૩-૧૮૭૦) માતાપિતા બાળાબહેન અને ગોપીભાઇ ધુ્રવ ૧૮૮તી ૧૮૯૬ સુધી આકાશેઠકુવાની પોળમાં રહ્યા હતા. તેની તદ્દન સમીપમાં આવેલી મગનભાઇ કરમચંદની કન્યાશાળામાં (સ્થાપના ઃ ૧૮૫૧) આ બહેનો ભણી હતી. તેમનાં નાના ભોળાનાથ સારાભાઇ અને મામા નરસિંહરાવ વિશાળ દીવેટીયા - ધુ્રવ - કુટુંબ સાથે તે સમયે લાખા પટેલની પોતીકી હવેલીમાં રહેતા હતા. ગોપીભાઇ ધુ્રવ જ્યારે નોકરી કરવા જાય ત્યારે તેમનાં પત્ની બાળાબહેન 'વિદ્યા' અને 'શારદા'ની આંગળી પકડીને મોસાળમાં આવેલી હવેલમાં જતા હતા. તેમનાં જમાનાની આકાશેઠકુવાની પોળ તેમજ અન્ય પોળો સંબંધી વિદ્યાબહેને અદ્ભૂત સંસ્મરણો 'ફોરમ' ગ્રંથમાં આલેખ્યાં છે. તેમણે લખ્યું છે કે તેઓ જ્યારે ૧૦ વર્ષનાં હતા તે સમયે અમદાવાદની વસ્તી માંડ પોણો લાખ માણસોની હતી. શ્રીમંતો બળદગાડા અને ઘોડાગાડીઓ રાખતા. દીવેલના કોડીયાં અને પાછળથી કેરોસીનથી ચાલતાં ફાનસો હતા. વિદ્યાબહેને ઉમેર્યું છે કે આકાશેઠકુવાની પોળ તેમજ અન્ય પોળોમાં લોકો શાંતિથી રહેતા. તેમના શબ્દોમાં ઃ
''ગાંધીયુગ પહેલાં પણ ઘેર ઘેર રેંટિયા ચાલતા. પોળને નાકે પીંજારો પૂણીઓ લઇને સવારમાં વહેલો બેસતો. ત્યાંથી પૂણીઓ લઇને કાંતેલું સુતર તેને પહોંચાડવામાં આવતું. પાસેની કંદોઇ ઓળમાં બરફી, પેંડા, જલેબી, લાડુ, સેવ, ગાંઠીયા વેચાતા. બોર, રાયણ, જામફળ વેચવા બાઇઓ આવતી. તેને પાઇ પૈસો આપો અથવા તો બાજરી આપો તો તેને તોલે માપ મળે. એક રૃપિયામાં ત્રણ શેર ઘી મળતું, દસ શેર ખાંડ અને દુધ બે પૈસે શેર મળતું. શાકભાજી બે ત્રણ પૈસે શેર, અને સીઝનમાં ત્રણ શેર. પોળે પોળે અને ચકલે ચકલે માણભટ્ટોની કથાઓ થતી. રામાયણ, મહાભારત, પુરાણો વગેરે કહેવાતા. રાતે ૧ વાગ્યા સુધી કથા ચાલતી. ૧૮૮૧ પહેલાં પહેલી વહેલી મોરબી નાટક કંપની અમદાવાદમાં આવી અને તેણે ભર્તુહરી, સતી સુલોચના અને નરસિંહ ભગત એમ ત્રણ નાટકો ભજવેલા.''
જોયો પોળોનો આ ઈતિહાસ?! જોઇ આ આકાશેઠકુવાની પોળ?! આપણામાં જો જરા કૂતુહલવૃત્તિ, સહાનુભૂતિ અને કલ્પનાશક્તિ હોય તો આપણાં પૂર્વજો કેવી રીતે જીવન જીવી ગયા તેનો કાંઇક ખ્યાલ આવી શકે તેમ છે. આજે તો આ વાતને જમાનો થઇ ગયો.

No comments: