Wednesday, September 10, 2014

આકાશેઠકુવાની પોળમાં રહેતા સંયુક્ત કુટુંબો અમદાવાદનાં વિદ્યાકીય સંસ્કારોના દર્શન કરાવે છે

પંડયા કુટુંબની વાત સાચી લાગી. પોળમાં સહેજ આગળ વધતાં છોકરા છોકરીઓને એકચીત થઇને લખોટી રમતા જોયા. જગ્યા કઇ?! ''કેશતેલ''નાં એક સમયનાં બેતાજ બાદશાહ એમ.એમ. ખંભાતવાલા તથા મશહૂર વકીલ નવીનચંદ્ર દેસાઇ અને એમનાં પુત્ર ગીરીરાજ દેસાઇનું જ્યાં હવેલી જેવું મકાન હતું ત્યાંથી થોડાં જ ડગલાં આગળ. આજે જ્યાં જયશ્રીબહેન પંકજકુમાર પંડયા રહે છે તે ઘરની પાસે છોકરાઓ લખોટી રમતા હતા. જયશ્રીબહેન એસ.એસ.સી. થયેલા છે. સામાજિક કાર્યકર છે અને પોળમાં કલ્ચર પ્રોગ્રામોનું પણ આયોજન કરે છે. તેમનો જન્મ આકાશેઠકુવાની પોળમાં જ આવેલી ''ડાકોરવાળી ખડકી''માં થયો હતો. તેમની ૪ વર્ષની પૌત્રી ચાર્મી પણ ઘર પાસે લખોટી રમતી હતી. પોળની આધુનિક ઝલક લખોટી-રમત દ્વારા પ્રાપ્ત થાય છે.


આકાશેઠકુવાની પોળમાં રહેતા સંયુક્ત કુટુંબો અમદાવાદનાં વિદ્યાકીય સંસ્કારોના દર્શન કરાવે છે
- ૮૭ વર્ષના ચંદ્રવીણા બહેન નવલકથાઓ વાંચે છે અને તેમને પોળનો ઇતિહાસ મોંઢે છે

વિવિધ સમયે જેટલી વાર પોળમાં ફર્યા તેટલી વખત અમને જીગર દવેએ મદદ કરી હતી. જ્યાં ૧૯૧૫માં ગાંધીજી સુરેન્દ્રરાય મેઢની હવેલીમાં રહ્યા હતા. તેની બરાબર સમીપમાં તેમનું અને સદ્ગત વીણાબહેન મેઢનું ઘર આવ્યું છે. જીગરભાઇ અને તેમનાં સંયુક્ત કુટુંબનાં સદસ્યો સાથે વાતો કરવાની ઘણી મઝા પડી. જીગર બી.કોમ. થઇને પંખાનો ધંધો કરે છે. તેમનાં પિતા ઋષિકેશ દવે  મીલમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. તેમનાં માતા સદ્ગત હંસાબહેન સુંદર અવાજે ગાતા હતા. જીગરનાં કાકા નરેન્દ્ર દવે જી.ઇ.બી.માં હતા. તેમની પુત્રી સપના ગ્રેજ્યુએટ થઇને ડીઝાઇનર તરીકે કામ કરે છે અને જયશ્રી પંકજકુમાર પંડયાની જેમ તેઓ પોળમાં કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન કરે છે. નરેન્દ્રભાઇનાં ૬૦ વર્ષનાં પત્ની કોકીલાબહેન એસ.એસ.સી. થયા છે. પણ સૌથી વધારે વટ તો જીગર દવેના ૮૭ વર્ષના દાદી ચંદ્રવીણાબહેનનો છે. તેઓ સમગ્ર આકાશેઠકુવાની પોળનાં વડીલ છે. લગ્ન પહેલાં ગુસા પારેખની પોળમાં આવેલા પિયરમાં રહેતાં હતાં. લગ્ન બાદ ૭૦ વર્ષથી તેઓ આકાશેઠકુવાની પોળમાં રહેતા હોવાથી પોળનો ઈતિહાસ તેમને મોઢે છે! છાપાં અને નવલકથાઓ વાંચે છે. તેમણે કહ્યું ઃ ''મારા પૌત્ર જીગરનો ૨૦ વર્ષનો છોકરો અગ્રીમ સી.એ.નું ભણતાં ભણતાં મારી પાસે બેસીને જુની વાતો પણ સાંભળે છે. અમે ૧૧ માણસો સંયુક્ત કુટુંબમાં શાંતિ અને સુખથી રહીએ છીએ.''
આકાશેઠકુવાની પોળ સાચે જ અમદાવાદનાં વિદ્યાકીય સંસ્કારોની આરસી છે. ગાંધીજી આ પોળમાં અનેક વાર આવી ગયા હતા. તેઓ રહ્યા પણ હતા. તેની તેમજ બીજી રસપ્રદ આવતો આવતા અંકમાં આવશે. કેટલાક પ્રભાવશાળી ઐતિહાસિક કુટુંબોની વાતો તો કાંઇ ઓર જ છે. તેનાં દ્વારા આકાશેઠકુવાની પોળનું અસલી પોત નીખરી આવે છે.

No comments: