Wednesday, September 10, 2014

આકાશેઠની પોળના નાકે ૨૦૦-૨૫૦ વર્ષ જૂના મંદિરના ભોંયરામાં જુદી જુદી પ્રકૃતિના ભગવાનોનું અનોખું મંદિર

એ જાણીને નવાઇ લાગે કે અમદાવાદમાં સહુપ્રથમ છાપખાનું આકાશેઠકુવાની પોળમાં સ્થપાયું હતું! ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજ સુધારાના વિકાસ માટે ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઇ હતી. તેને બીજે જ વર્ષે આ સંસ્થાએ 'વર્તમાન' નામનું અઠવાડીક શરૃ કર્યું. દર બુધવારે પ્રસિધ્ધ થતું હોવાથી ''બુધવારીયું'' કહેવાતું. ૧૮૫૪માં 'બુધ્ધિપ્રકાશ' નામનું માસીક શરૃ થયું જે આજે પણ ગુજરાતનું પ્રતિષ્ઠિત સામાયીક ગણાય છે. 'વર્તમાન' અને 'બુધ્ધિપ્રકાશ'નાં છપાઇ કામનો જશ આકાશેઠકુવાની પોળને જાય છે, કારણ કે લલ્લુભાઇ અમીચંદ અને તેમનાં ભાઇ બાજીભાઇ અમીચંદનું પ્રિન્ટીંગ પ્રેસ આકાશેઠકુવાની પોળમાં આવેલા લલ્લુભાઇ અમીચંદનાં ડહેલામાં આવ્યું હતું. આ નવાચારી જૈન સાહસીકોને પોળનાં નાગરોનો સંપૂર્ણ સાથ સહકાર હતો.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના શ્વાસ અને પ્રાણ ગણાતા મહાન કવિ અને સમાજ સુધારક દલપતરામ સામયીક માટે અવારનવાર આકાશેઠકુવાની પોળમાં જઇને જૈન બંધુઓ તથા નાગર વિદ્વાનોને મળતા. આવાં કારણોસર આ પોળ સાહિત્ય, શિક્ષણ અને સમાજસુધારાનાં માધ્યમ તરીકે વિકસી હતી. વળી પત્રકારત્વના ઈતિહાસમાં પણ લલ્લુભાઇ અને બાજીભાઇ નામનાં જૈન બંધુઓનું પ્રદાન પાયાનું ગણાય. આજે તો એ ડહેલું રહ્યું નથી અને બાજીભાઇ અને લલ્લુભાઇનું તો નામ પણ કોઇએ સાંભળ્યું નહીં હોય!! પણ અત્રે એટલું યાદ રહે કે દલપતરામનો ગ્રંથ ''શહેરના સુધારા વિષે નિબંધ'' (૧૮૫૮) આકાશેઠકુવાની પોળમાં છપાયો હતો.

આકાશેઠની પોળના નાકે ૨૦૦-૨૫૦ વર્ષ જૂના મંદિરના ભોંયરામાં જુદી જુદી પ્રકૃતિના ભગવાનોનું અનોખું મંદિર
- પોળમાં ભણતરનું વાતાવરણ છે અને તેની સાથે ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. અમે ૨૦૦૪માં નદીની પેલી પાર આવેલા ફ્લેટમાં રહેવા ગયા હતા, પણ ત્યાં અમને ગોઠયું નહીં, તેથી ચાર વર્ષ રહીને પાછા અમારા મૂળ સ્થાને આવી ગયા

No comments: