Thursday, September 29, 2011

બેનિવાલજી તમારે કોંગ્રેસની કઠપૂતળી બનીને રહેવું છે?


ગુજરાતનાં અતિકામગરા રાજ્યપાલ કમલા બેનિવાલને જાણવું છે કે નરેન્દ્ર મોદીનાં ત્રણ દિવસનાં સદભાવના ઉપવાસમાં કેટલો ખર્ચ થયો. સીધી વાત છે મોદીનાં વિરોધીઓ કે જે આ પાછળ ૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું કહે છે તેમની વાતો રાજ્યપાલ કાન દઈને સાંભળી રહ્યા છે. જોકે ઉપવાસનાં આયોજનમાં સામાન્ય રીતે સારી આવક ધરાવતા ગુજરાતી લોકોનાં પ્રસંગોમાં થતો હોય છે તેનાથી વધુ ખર્ચ થયો નથી.

બેનિવાલે ગયા મહિને પણ મોદીની સહમતિ વિના લોકાયુક્ત નીમીને મોદીને નિશાન બનાવ્યા હતા. સીધુ દેખાય છે કે તેઓ કોંગ્રેસનાં તાલે ચાલતા એક રાજકીય રાજ્યપાલ છે. અને કોંગ્રેસ માટે તો મોદી દુશ્મન નં ૧ છે.

જો કોઈ એક પક્ષ હોય કે જેણે બિનપક્ષપાતી રાજ્યપાલની વિભાવનાને તોડી પાડી છે તો તે કોંગ્રેસ છે (જોકે બીજા પક્ષોએ પણ થોડો ઘણો ફાળો આપ્યો છે) થોડા દાખલા પરથી આ વાત સાબિત થઈ જશે.

કોંગ્રેસશાસિત કોઈ પણ રાજ્ય એવું નથી જ્યાં કાંઈક ખોટું બનવા પર રાજ્યપાલે આટલો બધો હોબાળો મચાવ્યો હોય. તાજેતરમાં રાજસ્થાનનાં ભરતપુરમાં થયેલ કોમી હત્યાનાં કિસ્સાથી રાજ્યપાલ શિવરાજ પાટિલનાં ભવા તણાયા નહોતા. જોકે પાટિલ માટે તો પ્રતિભાવ આપવો એ જ સૌથી વધારે ગંભીર બાબત છે. એથી વધુ ગંભીર બીજું કાંઈ નથી. આતંક પણ નહિ, ૨૬/૧૧ પણ નહિ.
પાટિલ દેશનાં સૌથી વધુ અસમર્થ ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. આથી જ ૨૬/૧૧ નાં બનાવ બાદ તેમને ગૃહમંત્રાલયમાંથી પંજાબનાં રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા, અને રાજસ્થાનનાં રાજ્યપાલનાં મૃત્યુને કારણે તેમને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. પાટિલ જયપુરનાં રાજભવનમાં આરામનું જીવન વિતાવી રહ્યા છે, ભરતપુરમાં ભલે ગોળીઓ છુટ્યા કરે. રાજ્ય સરકારને પરેશાન કરવા માટે તેમણે બેનિવાલ જેટલી મહેનત નથી કરવી પડતી.

પણ જો તમે વિપક્ષ-શાસિત કર્ણાટક જેવા રાજ્યમાં હોવ તો તમારા માટે એક ચોક્કસ કામ નક્કી કરવામાં આવેલું છે. સત્તા પર રહેલી સરકારની દરેક બાબતમાં આડખીલી કરવી ભલે એ સરકાર યેદુરપ્પાની હોય કે સદાનંદ ગોવડાની. પણ જો ત્યાં કોંગ્રેસની સરકાર આવી જાય – જે આવવાની શક્યતા છે - તો રાજવંશની તેમણે ભુતકાળમાં કરેલી સેવા – જેમાં સોનિયા ગાંધીનાં મિત્ર ક્વાટ્રોચીની બોફોર્સ સબંધિત બાબતોને દબાવી દેવાની સેવાનો પણ સમાવેશ થાય છે - બદલ ખાસ કામકાજ વિનાનું જીવન ભોગવવા મળે.

વાય.એસ.રાજશેખર રેડ્ડી આંધ્રપ્રદેશમાં કૌભાંડોથી ભરપુર શાસન કરે અને બી રામલિંગા રાજુ સાથે મળીને રાજ્યની તિજોરી પર લૂંટ ચલાવે તો પણ કોંગ્રેસ નિયુક્ત રાજ્યપાલ કોઈ વાંધો લેતા નથી. તેલંગાના અને રયાલસીમામાં આપઘાતોનાં કિસ્સા બને તો પણ આંધ્રનાં રાજ્યપાલની ઉંઘ ઉડતી નથી.

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રાજ્યપાલનું પદ એટલે પક્ષનાં દોસ્તો માટે પગાર સહિતનું વેકેશન ગાળવાનું પદ. કરુણાનિધી અને તેમનાં કુટુંબે તામિલનાડુને જાણે તેમના અંકુશક્ષેત્રમાં લઈ લીધું – ટીવી સ્ટેશન અને કેબલ મોનોપોલિ ચલાવી – તેમનાં દિકરા અઝાગીરીએ મદુરાઈમાં માફિયા જેવી પ્રવૃત્તિઓ ચલાવી, પણ રાજ્યપાલ જાણતા હતા કે તેમણે આ બધી બાબતોમાં માથું મારવાનું નથી. તેમના મિત્ર કરુણાનિધી તેમનાં પરિવારનાં ઝઘડાઓ અને રાજ્યનાં કાયદો અને વ્યવસ્થા એમ બંનેને સંભાળી લેશે.

આવું જ મહારાષ્ટ્ર માટે. મહારાષ્ટ્ર કૌભાંડોની ભુમિ છે. રાજ્યપાલે ક્યારેય રાજ્યનાં સત્તાધીશોને આદર્શ કૌભાંડ કે શરદ પવારની લાવાસા ફાઉન્ડેશન સાથેની સંકળામણ અંગે કે એન્ગલીકન ચર્ચની મિલકતમાં ચલાવાયેલી લૂંટ બાબતે કાંઈ પૂછ્યું નહિ.

દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સમાં થયેલા ખર્ચ અંગે શિલા દિક્ષિતને પૂછવાનું રાજ્યપાલને સૂજ્યું નહિ. શુંગ્લુ કમિટી આ અંગે ઘણું કહી શકે એમ છે.

અને ભગવાન ન કરે બિહારમાં યુતિમાં ભંગાણ પડે અને નિતીશકુમાર 2005માં બનેલ યુતિમાં જ્યાં-ત્યાં થીગડા મારીને સરકાર બનાવવાનો પ્રયત્ન કરે તો કોંગ્રેસ-નિયુક્ત્ રાજ્યપાલનાં હાથમાં રહેલ તમામ નૈતિક રીતે જુલ્મી કહી શકાય તેવી સત્તાઓને ઉપયોગમાં લેવામાં આવશે.
રાજ્યપાલ બુટાસિંહ - જે પોતે સાવ સાફ છે એમ તો કહી શકાય એવું નથી – વિધાનસભ્યોને ફોડવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરીને હજી તો નવી વિધાનસભા પોતાનો નેતા નક્કી કરે એ પહેલા જ તેને વિખેરી કાઢે છે. રાજ્યપાલ આગળ જતા જોકે કોર્ટમાં પોતાનો કેસ હારી જાય છે પણ જે નુકસાન તેમણે કરવાનું હતુ એ તો તેમણે કરી જ નાંખ્યું. રાજ્યપાલ પોતાનું કામ નીપટાવી લે તેના વર્ષો પછી અદાલત માત્ર કોણીએ ટકોરો મારવાનું કામ જ કરે છે.
અને આ માત્ર રાજ્યો પૂરતી વાત નથી. રાજ્યપાલ રાજ્યોમાં જે પ્રકારની ભૂમિકા ભજવે છે એવી જ ભૂમિકા રાષ્ટ્રપતિની પણ છે. પણ પ્રતિભા પાટીલે ક્યારેય એ.રાજાનાં ધંધાઓ કે ન્યુક્લિયર બિલ કે 2008 નાં વિશ્વાસનાં મત સમયે થયેલ હોર્સ-ટ્રેડિંગ માટે ચિંતા વ્યક્ત કરી છે? પાછળથી કેશ-ફોર-વોટ કૌભાંડમાં આ હોર્સટ્રેડિંગની વાત બહાર આવી. પણ પ્રતિભાબેને થોડો અમથો ઉંહકારો ય ન ભર્યો. દિલ્હી પોલીસે કૌભાંડને લઈને જે નબળી કામગીરી બતાવી તેના અંગે પણ કશું કહેવાયું નહિ.
આ મુદ્દાને સાબિત કરવા ઘણા દાખલા આપી શકાય એમ છે પણ એક વાત સ્પષ્ટ છે કે વિપક્ષ શાસિત રાજ્યોમાં તમામ શક્યતાઓનો ઉપયોગ કરીને સરકારોને પરેશાન કરવા અને તેમને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસ-નિયુક્ત રાજ્યપાલોને મોકલવામાં આવે છે.

આ સમય છે કાયદામાં જરૂરી પરિવર્તન કરીને આવી વાહિયાત ચીજને અટકાવવાનો. રાજ્યપાલ પક્ષપાતી ન હોવા જોઈએ.
પહેલા તો, ચૂંટાયેલી સરકારની સ્પષ્ટ સહમતી વિના કોઈ રાજ્યપાલની નિમણૂક ન થવી જોઈએ. ચૂંટાયેલી સરકારો તેમના રાજ્યપાલ સાથે વિશ્વાસનાં સબંધે જોડાયેલી હોવી જોઈએ. રાજ્યપાલોએ રાજ્ય સરકારનાં કામમાં વિધ્નો ન નાંખવા જોઈએ, જેવી રીતે રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારનાં કામમાં માથું મારતા નથી.

બીજું, રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ રાજ્યની વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં વિલંબ કરવા માટે કરવો ન જોઈએ. તેઓ વિધેયકોને પુન:વિચારણા માટે મોકલી શકે છે પણ વિધાનસભામાં જો તે ફરીથી પસાર થઈ જાય તો તેને લોકોની ઈચ્છા માનીને અમલીકરણ માટે માન્યતા અપાવી જોઈએ.

ત્રીજું, રાજ્યોપાલોની પસંદગી નવરા બેઠેલા રાજકારણીઓમાંથી ન થવી જોઈએ. શિવરાજ પાટિલને ગૃહમંત્રાલયમાંથી વિપક્ષ શાસિત પંજાબનાં રાજ્યપાલ બનાવી દેવામાં આવે તે ન ચાલે.

સમય પાકી ચૂક્યો છે જ્યારે આપણે બિનપક્ષપાતી રાજ્યપાલની પસંદગી માટે કોઈ સરળ પ્રક્રિયા બનાવી કાઢીએ.


No comments: