Saturday, March 12, 2011

મયૂર દવે


“સ્વિસ બેંકોમાંથી કાળાં નાણાંને ભારતમાં લાવી આંતરિક માળખા, રોડ, નદીઓના લિન્ક અપ, લાઇટ વગેરે માટે વાપરવામાં આવે તો મંદી દૂર થશે.”

જન્મ: ૩ સપ્ટેમ્બર, ૧૯૫૯, મુંબઇ
પિતા: નટવરલાલ, માતા: કમળાબહેન
પત્ની: પ્રીતિબહેન, પુત્ર: શાલીન
અભ્યાસ: ટી.વાય.બી.કોમ., વ્યવસાય: વેપાર

કોલેજથી કોર્પોરેશન સુધીની સફર

અમદાવાદ ભાજપના યુવાન નેતા મયૂરભાઇ ૧૯૮૪માં કોલેજકાળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેઓ ૧૯૯૫માં પહેલી વાર ખાડિયા વોર્ડમાંથી ચૂંટાઇને મ્યુનિસિપલ કોર્પોરેટર બન્યા હતા. ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા મયૂરભાઇ રિક્રિએશન કમિટીના વાઇસ ચેરમેન અને ચેરમેન તથા ટેક્સ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી તથા સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સભ્ય તરીકે કામગીરી કરી છે. અત્યારે તે રેવન્યુ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

પિટિશન બદલ આરોપી બનાવાયા

૧૯૮૫ના અનામત આંદોલન દરમિયાન ખાડિયામાં તોફાન થવાથી તેમણે કોર્ટમાં રીટ પિટિશન કરી હતી. આને લીધે કોંગ્રેસની તત્કાલીન માધવસિંહ સોલંકી સરકારે તેમને ખૂન કેસના આરોપી બનાવ્યા હતા. જોકે મયૂરભાઇને રાજકારણમાં કોઇના પ્રત્યે ગમા-અણગમા નથી. તેમનું કહેવું છે કે નેતાઓ રાજકારણમાં રમત રમે તેના કરતાં લોકસેવા કરે તો વધારે સારું. ૧૯૮૪માં ભાજપમાં જોડાવાના નિર્ણયને તેઓ તેમનો મહત્વનો નિર્ણય માને છે. તેમના આદર્શ અટલબિહારી વાજપેયી છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ તેઓ રાયપુરમાં ઘ્વજવંદન કરતા હતા ત્યારે તેમણે ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને ભૂકંપમાં અસરગ્રસ્તોને મદદ કરી હતી, જેને તેઓ પોતાની યાદગાર ક્ષણ માને છે. તેઓ તેમના સંતાનને રાજકારણમાં લાવવા માગતા નથી. જો તેઓ રાજકારણમાં ન હોત તો લોકસેવા અને ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોત.

....તો લોકસેવા કરીશ

તેઓ ખાડિયા વિસ્તારના લોકો માટે રોજગારી ઊભી કરવાની એક યોજના બનાવવા માગે છે. જો તેમને ચૂંટણીની ટિકિટ ન મળે તો તેઓ લોકસેવા કરશે તેવું તેમનું કહેવું છે.

ખરાબ છબી માટે રાજકારણીઓ જ જવાબદાર

મયૂરભાઇની દ્રષ્ટિએ પોખરણનો અણુધડાકો દેશનો સૌથી મહત્વનો નિર્ણય છે, કારણ કે તેનાથી ભારત સમગ્ર વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઊભરી આવશે. ઇ-ગવર્નન્સ, કન્યા કેળવણી, સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટેની મોદી સરકારની યોજનાઓને તેઓ રાજ્યના મહત્વના નિર્ણયો માને છે, કારણ કે આ તમામ નિર્ણયો પ્રજાના હિત માટે લેવાયા છે. તેઓ ભાજપને રાષ્ટ્રવાદી અને પ્રજાહિત માટે કામ કરતો પક્ષ માને છે. તેમના મતાનુસાર આતંકવાદ, ગરીબી, મોંઘવારી અને બેરોજગારી દેશ સામેના મોટા પડકારો છે. મોટાભાગના નાગરિકોમાં રાજકારણીઓની છબી સારી નથી અને તેના માટે રાજકારણીઓ જ જવાબદાર છે. જે રાજકારણી પ્રજા વરચે રહી પ્રજાના પ્રશ્નોને સમજી તેનું નિરાકરણ લાવે તેની પ્રતિષ્ઠા લોકોમાં સારી હોય છે. તેમનું કહેવું છે કે આદર્શ નેતા અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી જેવા હોવા જોઇએ.

મતદારોને અનેક યોજનાઓનો લાભ અપાવ્યો

મયૂરભાઇએ તેમના મતવિસ્તાર ખાડિયા માટે કોર્પોરેટર તરીકે ઘણાં કામો કર્યા છે. તેમણે ખાડિયામાં વર્ષો જૂની પાણીની લાઇનો બદલાવી, રસ્તા રિસરફેસ કરાવ્યા અને વિધવા તથા ત્યક્તા બહેનોને પેન્શન યોજનાનો લાભ અપાવ્યો. તેમણે ખાડિયાના લોકોને સરકારની અનેક યોજનાઓનો લાભ અપાવ્યો. આ ઉપરાંત વિસ્તારના વિકાસનાં અનેક કામોમાં પોતાનો ફાળો આપ્યો.

No comments: