Sunday, February 27, 2011

અમદાવાદીઓ જ્યારે પોતાના વહાલા અમદાવાદ શહેરની ૬૦૦મી બર્થડે ઊજવવાના મુડમાં


ત્યારે અમદાવાદ નગરનાં જુદાં જુદાં નામ જેવાં કે આશાપલ્લી, આશાવલ, કણાર્વતી અને ત્યાર બાદ અમદાવાદ એમ સમય અને સત્તાધીશોની સાથે સાથે અમદાવાદનાં નામ પણ બદલાતાં ગયાં જેના ઇતિહાસથી તો ઘણાખરા શહેરીજનો માહિતગાર છે. જોકે નગર સિવાય શહેરના જુદા જુદા વિસ્તારો તથા તેની ઓળખ સમાન પોળોનાં નામો પાછળ પણ એક ચોક્કસ રસપ્રદ ઇતિહાસ છે.

અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે, માટે પોળોના પરિચય વગર અમદાવાદની ઓળખ અધૂરી ગણાય. પોળ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘પ્રતોલી’ પરથી આવ્યો છે. સોલંકી યુગમાં પોળોને પાડા તરીકે ઓળખવામાં આવતી હતી માટે પાટણની પોળોનાં નામ સાથે પાડા શબ્દ જોડાયેલો છે, એટલે કે ‘જમનો પાડો’, ‘ઢીલી ખીચડીનો પાડો’.

પોળોની વાત કરીએ તો સુલ્તાન અહમદશાહે શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં રહેવા માટે જે પોળમાં મુહૂર્ત કર્યું તે મુહૂર્ત પોળ તરીકે ઓળખાય છે. જે માણેકચોકમાં આવેલી છે. શહેરની સૌથી મોટી પોળ માંડવીની પોળ છે. જે શહેરની મઘ્યમાં આવેલ ચૌટા કે ચોરામાં માતાજીની નવરાત્રિ વખતે માંડવી મુકાતી હોય માટે તેનું નામ માંડવીની પોળ પડાયું.

ઘણી વખત પોળોના નામકરણ કોઇ વ્યક્તિ જાતિ-ઉપજાતિ કે પશુ-પક્ષીઓ પરથી પણ રાખાયાં છે. જેમકે અમુક વિસ્તારમાં પખાલી, સાળવીસ, પીંજારા, પટવા મહેતા નાગર, માળી કે ધોબી વગેરે જાતિના લોકો રહેતા હોવાથી પોળનાં નામ જે તે જાતિ સાથે જોડી દેવાયાં.

પોળોના નામકરણમાં વિશેષ વ્યકિતઓનાં પણ મહત્વનો ફાળો છે જેમકે લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, જાદા ભગતની પોળ, ધના સુથારની પોળ, મહેસાણા જિલ્લાના ગોઝારિયાથી આવેલો એક પરિવાર શાહપુર વિસ્તારમાં વસ્યો હતો તે પોળ ગોઝારિયાની પોળના નામે ઓળખાય છે. આવી જ રીતે શહેરમાં ચામાચીડિયાની પોળ, દેડકાની પોળ, બકરી પોળ જેવાં નામો રખાયાં છે.

આ ઉપરાંત મુઘલકાળના દસ્તાવેજોમાં ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર(પોળ) વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. આ ઉલ્લેખ મુજબ દરેક પોળમાં કૂવો, મંદિર, દરવાજો, ચબૂતરો, ચોગાન, ઓટલો, ગાય- કૂતરા માટે ચાટ વગેરે સગવડો પણ રાખવામાં આવતી. આ ઉપરાંત પોળમાં કોઇ પ્રસંગ કે તહેવાર અથવા તો જમણવાર માટે ખુલ્લી જગ્યા પણ રખાતી જેને ચોકઠું એટલે કે ચોગાન કહેવાતું.

No comments: