Sunday, July 11, 2010


મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦,૦૦૦ સ્નાતક વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રો આપવાના ઐતિહાસિક સમારોહમાં નવનિયુકત વિદ્યાસહાયકોને પ્રાથમિક શિક્ષણમાં નવી સંસ્કૃતિ નિર્માણ કરવા અને ઉત્તમ પ્રયોગોના પથદર્શક બનવા આહ્્વાન કર્યું હતું. રાજ્યની પાંચ હજાર પ્રાથમિક શાળાઓમાં નવા પ્રયોગરૂપે ધોરણ-૮નો પહેલીવાર સમાવેશ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ પારદર્શી ભરતી પ્રક્રિયા કરીને સ્નાતક કક્ષાના એકસાથે ૧૦,૦૦૦ પ્રશિક્ષિત વિદ્યાસહાયકોની પસંદગી કરી છે તે દેશમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની સિધ્ધિનો અપૂર્વ અવસર છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાના નિર્ધારરૂપે સ્વર્ણિમ જ્યંતી વર્ષથી ગુજરાતની પ૦૦૦ પ્રાથમિક શાળામાં આઠમા ધોરણનો સમાવેશ કર્યો છે. ધોરણ આઠના વર્ગમાં ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોના તાલીમ લીધેલા શિક્ષકોની આવશ્યકતાને પણ પ્રાથમિકતા આપીને ગુજરાતમાં ર૬ જિલ્લાઓમાં પહેલીવાર શિક્ષણ વિભાગે શિક્ષણના સ્નાતક અનુસ્નાતક થયેલા ઉમેદવારોને પસંદ કરવા માટે ટ્રાન્સપરન્ટ ટેકનોલોજી તૈયાર કરીને ઓનલાઇન ભરતી પ્રક્રિયા માત્ર એકજ મહિનામાં પૂર્ણ કરીને ૧૦,૦૦૦ નવનિયુકત વિદ્યાસહાયકોને આજે નિમણુંક પત્રો આપી દેવામાં આવ્યા હતા.

આ હેતુસર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિએ કેન્દ્રીયકૃત પસંદગી પ્રક્રિયા અપનાવી હતી અને ગણિત-વિજ્ઞાનના પ૦૦૦ તથા અંગ્રેજીના પ૦૦૦ વિદ્યાસહાયકોને અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે તથા આ જ સમયે સમગ્ર રાજ્યના જિલ્લામથકોએ મંત્રીશ્રીઓ દ્વારા નિમણુંક પત્રો એનાયત થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ૧૦,૦૦૦ નવનિયુકત વિદ્યાસહાયકોને પ્રાથમિક શિક્ષણના સંસ્કાર સેવા યજ્ઞમાં જોડાવા માટેની ભાવભરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે જેમ સૂર્યોદયથી વિશ્વના બગીચામાં પમરાટ અને ચેતના જાગી ઉઠે છે એવી વિકાસની સોનેરી ક્ષિતિજો આકાર લે છે એમ પ્રાથમિક શાળામાં નવા ધોરણ-૮ના વર્ગના બાળમાનસમાં સંસ્કાર પમરાટની અનુભૂતિ નવનિયુકત વિદ્યાસહાયકો કરાવશે.

સમગ્ર ભારતમાં સંપૂર્ણ પારદર્શી ધોરણે શિક્ષકની ભરતીનો આ નવીનત્તમ અભિગમ પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તનના નિર્ધારની ઐતિહાસિક ઘટના છે એવા પથદર્શક અવસરની ભૂમિકા તેમણે આપી હતી.

ર૦૦૧ પહેલાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ઉપેક્ષા અને દુર્દશા વિશેની પીડાનું તેમના મનમાં જે દર્દ હતું તે કલંક નિવારવાના સર્વગ્રાહી પુરૂષાર્થરૂપે એકવીસમી સદીના પ્રથમ દશકાની તપસ્યાનો યજ્ઞ કર્યો તેની ભૂમિકા પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.

પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને નામાંકન તથા ડ્રોપ આઉટની જે કલંકરૂપ સમસ્યા હતી તેના ઉપાયરૂપે ૧.૧૧ લાખથી વધારે વિદ્યાસહાયકોની ભરતી, ૬૪૦૦૦ નવા ઓરડા, ૪પ૦૦૦ સેનિટેશન સુવિધા અને કન્યા કેળવણી સામાજિક આંદોલન સહિતના ક્રાંતિકારી પગલા લઇને ૧૦૦ ટકા પ્રવેશ નામાંકન તથા ડ્રોપઆઉટ માંડ બે ટકા રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

હવે ગુજરાતની પ્રાથમિક શાળામાં બાળકો સિવાય શિક્ષકો, ઓરડાની હાજરી રહેવાની નથી પણ પ્રત્યેક શાળામાં વિદ્યાર્થીની શૈક્ષણિક ચેતનાથી વાતાવરણ ધમધમતું રહેવાનું છે. એમાં પણ ધોરણ ૮નો વર્ગ પ્રાથમિક શિક્ષણમાં દાખલ થતાં જ હવે સ્થાનિક સ્તરે અને ખાસ કરીને ધોરણ સાત પછી કન્યાઓનો ડ્રોપ આઉટ મોટો હતો તેનો ઘરઆંગણે સુવિધા મળતાં ઉકેલ આવી જશે. એક મહિનામાં પારદર્શી ભરતી પ્રક્રિયાએ ભૂતકાળના વર્ષોના સ્થાપિત હિતોના શિક્ષક ભરતીના શોર્ટકટ દૂષણમાંથી પણ શિક્ષકોને મૂકિત અપાવી છે આના પરિણામે જે શિક્ષકોને જીવનના પાઠ ભણાવવાના છે તેનો આત્મવિશ્વાસ ટકી રહેવાનો છે. આ પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિકારી સુધારાની નવી પારદર્શી દિશા છે, અને તેથી શિક્ષકની નિમણુંક લીધા પછી સમાજ પ્રત્યેનું દાયિત્વ દાખવવા તેમણે નવનિયુકત શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

શિક્ષણ પ્રત્યેની નિરંતર સાધના એટલે ‘‘ભણાવતા ભણાવતા ભણતા જઇએ'' નો મંત્ર આત્મસાત કરવાનું આહ્્વાન કરતાં તેમણે ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના નીતનવા અભ્યાસક્રમોમાં જોડાવાની અપીલ કરી હતી.

નવનિયુકત પ્રશિક્ષિત શિક્ષકો પોતાની શાળામાં પોતાના કોમ્પ્યુટર જ્ઞાનનો લાભ અન્યને આપે એવી અભિલાષા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

તેમણે જણાવ્યું કે આજના જ્ઞાનયુગમાં ટેકનોલોજીથી શિક્ષણના રોબોટ પણ સર્જી શકાય પરંતુ ગુજરાતના ૧૦,૦૦૦ બૌધ્ધિક ક્ષમતાનું દિમાગ ધરાવતા જીવતા જાગતા આવતીકાલના ઘડવૈયા શિક્ષકો નિયુકત કર્યા છે. બાળમાનસમાં શિક્ષકની હાજરી જ નિરંતર સ્મીત અને તેજ-ઓરાનો સંચાર જગાવે એવી સ્થિતિ સર્જવા તેમણે અપીલ કરી હતી.

સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગામેગામ ‘વાંચે ગુજરાત'ના અભિયાનરૂપે ગ્રંથમંદિરો બન્યા છે તેમાં નવનિયુકત યુવા વિદ્યાસહાયકો નેતૃત્વ લે અને ખેલમહાકુંભ અભિયાનમાં દરેક શાળા અને ખેલાડી પોતાના જૂના વિક્રમો તોડે એ માટે પણ તેમણે શિક્ષકોને અપીલ કરી હતી. વિશેષમાં શાળાઓમાં શતરંજની કલબ શરૂ કરી ખેલાડી તરીકેનું વાતાવરણ ઉભૂં કરવા અને માનસિક સંતુલન શકિત પૂરી પાડવા તેમણે અનુરોધ કર્યો હતો.

No comments: