Sunday, July 11, 2010
૧૦૮ની ઇમરજન્સી સેવાઓને પણ ગુજરાતમાં રાજકીય જૂઠાણાનો સામનો કરવો પડેલો તેની પીડા વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, લાખો આપત્તિગ્રસ્ત ગરીબોની ૧૦૮ ઇમરજન્સી સેવાની સફળતા ગાથા રચીને ગુજરાતે ૧૦૮ સેવાની કેટલી મોટી તાકાત છે તેની હવે ગુજરાતના ખૂણે ખૂણે પ્રતિતી કરાવી છે.
આ ઇ.એમ.આર.આઇ. ગરીબોની માનવ સેવાનું શ્રેષ્ઠ કેન્દ્ર બનશે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી. ગુજરાત સરકાર અને જી.વી.કે.ઇ.એમ.આર.આઇ. મેનેજમેન્ટની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની અપૂર્વ માનવસેવાના અભિયાનરૂપે ૧૦૮ ઇ.એમ.આર.આઇ.નું ગુજરાતભરમાં નેટવર્ક સેવારત થયેલું છે. ગુજરાત સરકારે અમદાવાદ નજીક કઠવાડામાં જી.વી.કે.ને મેડીકલ ઇમરજન્સી એન્ડ રીસર્ચ મેનેજમેન્ટ સેન્ટરનું નિર્માણ કરવા જમીન ફાળવી છે અને આજે અદ્યતન સંકુલ કાર્યરત થતાં મુખ્ય મંત્રીશ્રીએ તેનું ઉદ્ઘાટન કરી સંકુલની કોલ સેન્ટર, રીસર્ચ લેબ, કંટ્રોલરૂમ અને ટેકનોલોજી નેટવર્કની કાર્યપ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને માનવ સેવાને વરેલા કર્મયોગીઓને અભિનંદન આપ્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ વિશિષ્ટ યોગદાન આપનારા જી.વી.કે. ઇ.એમ.આર.આઇ. સ્ટાફનું સન્માન કર્યું હતું. અને ગુજરાતમાં ખૂણે ખૂણે ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીની મીનિટોમાં જ પહોંચી શકે તેવી નેમ સાથે વધુ ૫૦ જેટલી ૧૦૮ ઇ.એમ.આર.આઇ. એમ્બ્યુલન્સ સેવાઓનું લોકાર્પણ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સંવત ૨૦૦૭માં ગુજરાતમાં ૧૦૮ ઇ.એમ.આર.આઇ.નો પ્રારંભ થયો ત્યારે આ તો તત્કાલીન ચૂંટણી જીતવાનો નુસ્ખો છે તેવો રાજકીય જૂઠાણાનો ઉહાપો કરેલો તેવા બધા જ પરિબળોને આજે ૧૦૮ની ઇમરજન્સી સેવાને મળેલા ગરીબોના આશીર્વાદે જવાબ આપી દીધો છે. દરેક જનસેવાના કામમાં વિકૃત રાજકારણને જોડવાની માનસિકતા દૂર્ભાગ્યપૂર્ણ છે. ૧૦૮ ઇમરજન્સી સેવા વિશ્વના વિકસિત દેશોની આરોગ્ય સેવાની શ્રેષ્ઠતાની હરોળમાં ઉભી રહી શકે તે રીતે ગુજરાતમાં કાર્યરત છે અને આ તપસ્યાન સેવાયજ્ઞમાં જોડાયેલા આપણા સમાજના જ હોનહાર નાગરિકો છે એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના આતંકવાદી હુમલાની ઘટનામાં માનવજીંદગી બચાવવા માટે ૧૦૮ની સેવાઓએ જે માનવતાનો યજ્ઞ પ્રગટાવ્યો તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે નિસ્વાર્થ માનવસેવા માટે ૧૦૮ સેવાએ બેમિસાલ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તે ૧૦૮ પરિવારના સહયોગીઓના ચરણોમાં મુખ્યમંત્રીશ્રીને ૧૦૮ સેવા માટે ગરીબોના મળેલા આશીર્વાદ સમર્પિત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે ૧૦૮ સેવા માત્ર ઇમરજન્સી મેડીકલ જ નહીં. પોલીસ મદદ અને ફાયરબ્રીગેડ સેવાઓ માટે પણ ઉત્કૃષ્ઠ સહાયક બની છે અને આ વિશ્વસનીય સેવાઓનો લાભ નિશુલ્ક લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
દસેક વર્ષ પહેલા એમ્બ્યુલન્સ અને ડેડબોડી વાનની કામગીરી સેવાઓ આપત્તગ્રસ્ત નાગરિકોની ઉપેક્ષા કરતી હતી તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવીને વિશ્વસનીય અને નિસ્વાર્થ માનવસેવાનું નેટવર્ક ગરીબો સહિત સૌને પૂરું પાડ્યું છે તેની વિગતો આપી હતી.
દુર્ઘટનાનો ભોગ બનેલાઓને સુવર્ણજયંતી વર્ષમાં પ્રથમ કલાકમાં જ ઇમરજન્સી મેડીકલ સર્વિસ મળે તેવો સંકલ્પ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માટે મધ્યાન ભોજનની યોજનામાં ગુણાત્મક સુધારાનો સંકલ્પ પાર પાડવાની નેમ વ્યકત કરી હતી.
આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીઓની આરોગ્ય સુખાકારી માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં જે અનેક કલ્યાણ યોજનાઓ સુપેરે પાર પડી રહી છે તેની રૂપરેખા પ્રાસંગિક પ્રવચનમાં આપી હતી.
બિહારમાં કોશી નદીના પૂરપીડિતોની સહાયતા માટે ગુજરાતે દાન-સહાયની સરવાણી સાથે ૨૫ જેટલી ૧૦૮ ઇ.એમ.આર.આઇ. સેવાઓ અને તબીબો-પેરામેડીકલ સ્ટાફની જે અમૂલ્ય સેવાઓ પૂરી પાડી તે ગુજરાતની, દેશના સર્વે જરૂરતમંદોને આપતકાલ વેળાએ ગુજરાતની સેવા સહાયતાની સાહજિક પરિવાર ભાવના ગણાવી હતી. ગુજરાતની આ ૧૦૮ ઇ.એમ.આર.આઇ. સેવાઓ વિશ્વની ઉત્કૃષ્ટ કક્ષાની આરોગ્ય સંભાળ સેવામાં સ્થાન પામે તે માટે ગુજરાત સરકાર અને જી.વી.કે.ઇ.એમ.આર.આઇ. સંપૂર્ણ સજ્જ અને પ્રતિબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જી.વી.કે.ઇ.એમ.આર.આઇ.નાઅધ્યક્ષ ડા.જી.વી.કે.રેડ્ડીએ ગુજરાત ૧૦૮ ઇ.એમ.આર.આઇ. નેટવર્કની જવલંત સફળતાનો સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય શાસનની જનકલ્યાણ પ્રતિબધ્ધતાને આપ્યો હતું. દૂર દૂર ના વિસ્તારોમાં પણ આ સેવાઓનો વ્યાપ વિસ્તારનારૂ દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત છે તેનો તેમણે સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.
trong>
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment