Sunday, September 6, 2009

તુમ ભૂલ ન જાઓ ઇનકો, ઇસલિયે કહી યે કહાની


ઇન્ડિયન આર્મીના વડા અધિકારીએ મેજર સોમનાથ શર્માનો વાયરલેસ ઉપર સંપર્ક સાઘ્યો અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મેજર શર્માએ જવાબ આપ્યો, ‘સર, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અમે ફકત બાવીસ જણાં છીએ અને પાકિસ્તાની ઘૂસણખોરો સાતસો જેટલા. દુશ્મનો શ્રીનગરની તદ્દન નજીકમાં છે.’
અધિકારીએ શત્રુઓને અટકાવવાનો આદેશ આપ્યો, ‘મેજર શર્મા!. મરી ફિટજો પણ મોરચા પરથી હટશો નહીં. શ્રીનગરની હવાઇપટ્ટી પર પાકિસ્તાનીઓનો પગ પડવો ન જોઇએ. દિવસ ઊગતામાં જ ભારતનું પહેલું વિમાન સૈનિકો સાથે ‘લેન્ડ’ થશે. આ સરદાર પટેલનું ફરમાન છે. મેજર શર્મા આજની રાત અને તમારું શૌર્ય નક્કી કરશે કે કાશ્મીર કોના ખાતામાં જશે? ભારતના કે પાકિસ્તાનના? વિશ યુ ઓલ ધી બેસ્ટ. જય હિંદ!’ ‘જય હિંદ!’ મેજર શર્માએ વાત પૂરી કરી.ત્રીજી નવેમ્બર, ૧૯૪૭ની રાત. શ્રીનગરથી ગણતરીના અંતરે આવેલા બડગામ મોરચે જાનસટોસટની બાજી જામી હતી. ખંડિત અને રકતરંજિત ભારત પોતાના પ્રથમ સ્વાતંત્ર્યદિનની ઉજવણી પૂરી કરીને એના નશામાંથી હજુ બહાર પણ આવ્યું ન હતું, ત્યાં જ લુચ્ચા પાકિસ્તાને કાશ્મીર હડપ કરી લેવાનો કારસો રરયો. મહારાજા હરિસિંહે ડરના માર્યા રાતોરાત ભારતીય સંઘ સાથે જોડાણપત્ર લખી આપ્યો અને સરકારના માથે ધરતી ઉપરના સ્વર્ગને સુવરોના હાથમાંથી બચાવવાની જવાબદારી આવી પડી.
જોડાણપત્રના પાંચ જ દિવસમાં તા. ૨૭-૧૦-‘૪૭ની સવારે લોહપુરુષ સરદાર પટેલની કુનેહથી ભારતીય સૈન્યની પ્રથમ ટુકડીએ કાશ્મીરની ધરતી પર ઉતરાણ કર્યું. એ માટે વપરાયેલું વિમાન ડાકોટા હતું. એ પ્રથમ ટુકડીનું નેતૃત્વ કોને સોંપવું એની મૂંઝવણ હતી કારણ કે તે ‘ડી’ કંપની ઓફ કુમાઉ રેજિમેન્ટના નેતા મેજર સોમનાથ શર્મા થોડાં દિવસો પહેલાં જ હોકી મેચ રમતી વખતે ગંભીર રીતે ઘવાયા હતા. એમના જમણા હાથમાં ફ્રેકચર થયું હતું. ઓર્થોપિડીક ડોકટરની કડક સૂચના હતી, ‘જયાં સુધી જમણા હાથ પરનું પ્લાસ્ટર ખોલવામાં ન આવે ત્યાં સુધી તમારે પેન પણ પકડવાની નથી.’
મેજર સોમનાથ શર્મા જમણો હાથ સાજો થાય એ દિવસની પ્રતીક્ષા કરતા હતા ત્યાં લોહપુરુષનો આદેશ એમના કાનમાં પડયો. ૨૪ વર્ષના મેજર સોમનાથે તૂટેલા હાથે સેલ્યુટ ઠોકીને જાહેર કર્યું, ‘આઇ વિલ લીડ ધી ટ્રુપ.’ ‘મેજર, તમારા હાથમાં ફ્રેકચર છે. તમને પેન પકડવાની પણ મનાઇ છે.’
‘મનાઇ પેન પકડવાની છે, મશીનગન પકડવાની નહીં. કુમાઉ રેજિમેન્ટની ‘ડી’ કંપની મારી છે અને હું એનો છું. જય હિંદ!’ ત્રીજી નવેમ્બર સવારના સાડા નવ વાગ્યે મેજર શર્માની ટુકડીએ બડગામનો મોર્ચો સંભાળ્યો. શત્રુઓ નજરે પડતા ન હતા. મીરપુર એમના હાથમાં પડી ચૂકયું હતું. ભીંડરનું પણ પતન થયું હતું.
શ્રીનગર હવે માત્ર છ જ કલાક જેટલું છેટે હતું. અડધું કાશ્મીર તો શત્રુઓએ જીતી લીધું હતું, છ કલાક પછી આખું કાશ્મીર એમના હાથમાં આવી પડવાનું હતું. બપોરના બે ને પાંત્રીસ વાગ્યે આસપાસના ઘરોમાંથી ગોળીબાર શરૂ થયો. જુનિયર કમિશન્ડ ઓફિસરે આદેશ માગ્યો, ‘વળતો જવાબ આપીએ?’
મેજર શર્માએ માથુ હલાવ્યું, ‘ના, એમાં તો આપણા નિર્દોષ નાગરિકો જ વધારે મરશે.. દુશ્મનો બહાર આવે ત્યાં સુધી ધીરજ રાખો.’ એ પછી થોડી જ વારમાં મોટા પાયે હુમલો થયો. બાવીસ ભારતીય સૈનિકો ઉપર ચોતરફની ખીણોમાં છુપાયેલા સાતસો જેટલા શત્રુઓ તૂટી પડયા. મેજર શર્માએ ત્રાડ પાડી, ‘બહાદુર ભાઇઓ! ડરશો નહીં, અને હટશો પણ નહીં! જો આપણે પડયા તો શ્રીનગર પણ પડશે. પ્રતિઆક્રમણ શરૂ કરો!’
હલદીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની પડખે બાવીસ હજાર સૈનિકો હતા, મેજર સોમનાથ પાસે એ પોતે સહિતના માત્ર બાવીસ બહાદુરો હતા. જબરદસ્ત ખુવારી વેઠવી પડી. સામેથી મોર્ટાર, સ્મોલ આમ્ર્સ અને હેવી ઓટોમેટિક મશીનગનોનું ધાણીકૂટ આક્રમણ હતું. ખતરાને સૂંઘી ગયેલા મેજર શર્મા ખુલ્લા મેદનામાં દોડી ગયા.
ટુકડીના સાથીઓને મશીનગનો પૂરી પાડવાના કામમાં લાગી ગયા. ભાંગેલા હાથ વડે મેગઝિનમાં કારતૂસો ભરી-ભરીને સૈનિકોને આપવા માંડયા. આપણા જવાંમર્દોએ જબરદસ્ત યુદ્ધ ખેલવા માંડયું.
મેજર ભૂલી ગયા કે આમ કરવા જતાં તેઓ ખુદ ખુલ્લા મેદાનમાં આવી જવાને કારણે શત્રુઓની નજરે ચડી ગયા હતા. આ હાલતમાં એમણે છ કલાક સુધી ઝીંક ઝીલી. ત્યાં જ એક મોર્ટાર એમની સાવ નજીકમાં ફેંકાયો. મેજર શર્મા સમજી ગયા કે એમની જિંદગી હવે ફકત થોડીક સેકન્ડોમાં જ ખતમ થઇ જવાની હતી. એ દોડયા.
શત્રુઓથી દૂર ભાગવાને બદલે શત્રુની દિશામાં દોડયા. વાયરલેસ સેટ ઉપર હેડકવાર્ટસને છેલ્લો સંદેશ પાઠવ્યો: ‘શત્રુઓ મારાથી માત્ર પચાસ વાર છેટા છે. અમારી સંખ્યા બહુ જ ઓછી છે. અમારી ઉપરનો હુમલો વિનાશક છે. પણ હું એક ઇંચ જેટલીય પીછેહઠ નહીં કરું. અમે છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિકો સુધી લડતા રહીશું.’
એ પછી મોર્ટાર ફાટવાનો જબરદસ્ત ધમાકો સંભળાયો. અને ભારતનો એક ગરજતો સિંહ ખામોશ થઇ ગયો. (મે. સોમનાથ શર્માના આ છેલ્લા શબ્દો હવે ઇન્ડિયન આર્મીના શૌર્ય સૂત્ર તરીકે સ્વીકાર પામ્યા છે.) સરદાર પટેલે મોકલેલા વિમાનો સૈનિકોની કુમક લઇને શ્રીનગરની ધરતી પર ઊતર્યા ત્યારે હવાઇપટ્ટી સલામત હતી.
બડગામના મોરચે ભારતના બાવીસ નરબંકાઓ મોતની ચાદર ઓઢીને સૂતેલા હતા, પણ સામે પક્ષે સાતસોની ખુવારી બોલતી હતી. એક-એક જવાંમર્દે પાંત્રીસ-પાંત્રીસ પાકિસ્તાનીઓને જહન્નમમાં પહોંચાડી દીધા હતા.
આઝાદ ભારત તરફથી ઇતિહાસમાં નોંધાયેલું આ પ્રથમ સર્વોચ્ચ બલિદાન હતું. આજે જમ્મુ અને કાશ્મીર જો આપણી પાસે હોય તો એનું શ્રેય સરદાર પટેલની કુનેહ અને મેજર શર્માના બલિદાનને ફાળે જાય છે.
છવ્વીસમી જાન્યુઆરી, ૧૯૫૨નો દિવસ. દેશના પ્રથમ રાષ્ટ્રપતિના હાથે સર્વોચ્ચ બહાદુરી માટે શરૂ કરવામાં આવેલો પ્રથમ પરમવીરચક્ર ચંદ્રક સ્વ. મેજર સોમનાથ શર્માને એનાયત જાહેર કરવામાં આવ્યો. મેજર જનરલ અમરનાથ શર્માએ દીકરાની શહાદતને ચંદ્રકના રૂપમાં હાથમાં ઝીલી.
આજે આ વાત એટલા માટે લખવી પડી કારણ કે આજની કપડાં ઉતાર ફિલ્મો અને ડ્રગ્ઝની રેવ પાર્ટીઓમાં મદહોશ બનીને ઝૂમતી યુવાન પેઢીને ખબર પડે કે આ ધરતી ઉપર એક જવાંમર્દ પણ પાકયો હતો જેનું નામ હતું: પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા.

No comments: