Monday, August 10, 2009

બુટાસિંહને આપઘાતની તક આપવી જોઈએ


ભારતમાં ઘણા રાજકારણીઓ ભ્રષ્ટાચારને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે અને આ દેશ પોતાના બાપની જાગીર હોય તે રીતે વર્તે છે. હદ તો એ છે કે આ રાજકારણીઓ બહુ નફ્ફટાઈથી અને બેશરમીથી પોતાના આ ભ્રષ્ટાચારનો બચાવ કરે છે અને લોકોની સેવા કરવાના નામે આપણે કલ્પના પણ ના કરી હોય તેવાં ત્રાગાં કરે છે. કેન્દ્રના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પંચના ચેરમેન બુટાસિંહનો કિસ્સો તેવું એકદમ તાજું ઉદાહરણ છે.બુટાસિંહ હમણાં તેમનો દીકરો એક કરોડનો તોડ કરવા જતાં જેલભેગો થયો તે કારણે ચર્ચામાં છે. મહારાષ્ટ્રના રામરાવ પાટિલ નામના એક કોન્ટ્રાક્ટરે ૧૦૦ જેટલા દલિત લોકોને ચૂનો લગાડી દીધેલો અને તેમની પર અત્યાચાર કરેલા. તેની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પંચમાં ફરિયાદ થઈ છે. આ પંચના ચેરમેન તરીકે બુટાસિંહ છે એટલે દલાલોએ બુટસિંહના દીકરા સરોબજિત ઉર્ફે સ્વીટીના નામે રામરાવનો સંપર્ક કરીને તેને આ મામલામાં ક્લીનચિટ અપાવવાની ઓફર કરી અને બદલામાં એક કરોડ રૃપિયાની માગણી કરી. રામારાવે એ માગણી સ્વીકારી અને એક કરોડ આપવાની તૈયારી બતાવી. જો કે રામરાવના મનમાં એ વખતે બીજું કંઈ ધોળાતું હતું અને તેણે સીધો ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોનો સંપર્ક કરીને માહિતી આપી દીધી. બુટાસિંહનો દીકરો હોંશે હોંશે એક કરોડ લેવા ગયો તેમાં રંગે હાથે ઝડપાઈ ગયો અને અત્યારે જેલની હવા ખાય છે.
સ્વીટીને પકડયા પછી પોલીસે તેની ધોલધપાટ કરી હશે કે ગમે તે પણ તેણે પઢાવેલા પોપટની જેમ કબૂલાત કરી નાંખી કે પોતે તો પ્યાદું જ છે અને અસલી ખેલાડી તો મારો બાપ છે. તેના કહેવાથી જ હું તો આ એક કરોડની ઉઘરાણી કરવા ગયેલો. આ વાત બહાર આવી એ સાથે જ ખળભળાટ મચે તે સ્વાભાવિક છે. આવું કંઈ પણ થાય ત્યારે રાજકારણીઓ એક જ રેકર્ડ વગાડે છે કે આ તો મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું મારા વિરોધીઓનું ષડયંત્ર છે અને બુટાસિંહે પણ પહેલાં એ જ રેકર્ડ વગાડી પણ પછી કકળાટ વધ્યો એટલે તેમણે કોંગ્રેસ સામે નજર માંડી. જો કે કોંગ્રેસે આ મામલે હાથ અદ્ધર કરી દીધા અને જાહેર કરી દીધું કે બુટાસિંહ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પંચના ચેરમેનપદે છે તેને પક્ષ સાથે કંઈ લેવાદેવા નથી કેમ કે આ હોદ્દો બંધારણીય છે, પક્ષનો હોદ્દો નથી.
કોંગ્રેસના આ જવાબથી બુટાસિંહ ફૂંગરાઈ ગયા અને તેમણે જાહેર કરી દીધુંું છે કે તેમને કોંગ્રેસની કે બીજા કોઈના પણ ટેકાની જરૃર નથી અને પોતે જે રીતે આખી જિંદગી દલિતોની સેવા કરી છે એ રીતે દલિતોની સેવા કરતા રહેશે અને આ હોદ્દો નહીં જ છોડે. જો કે બુટાસિંહ આ રીતે નામક્કર ગયા એ પછી એવી વાતો વહેતી થઈ કે કેન્દ્ર સરકાર પોતાને આ નામોેશીમાંથી બચાવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા બુટાસિંહને ઘરભેગા કરાવી દેશે એટલે બુટાએ નવું ત્રાગું શરૃ કર્યું છે અને મંગળવારે જાહેર કરી દીધું કે જો પોતાને રાજીનામું આપવાની ફરજ પડાશે તો પોતે આપઘાત કરી લેશે અને પોતાનો જીવ આપી દેશે પણ હોદ્દો તો નહીં જ છોડે.
આ દેશમાં રાજકારણીઓ કઈ હદે બેશરમ થઈ શકે છે અને લોકોની સેવા કરવાના નામે કેવાં ત્રાગાં કરી શકે છે તેનો આ પુરાવો છે. જો કે બુટાસિંહ માટે આ નવી વાત નથી. તેમનો ઈતિહાસ જ આ પ્રકારની ઘટનાઓથી ખરડાયેલો છે અને તેમનું આખું ખાનદાન આ પ્રકારના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. આ પહેલાં બિહારમાં તેમણે બંધારણની ઐસીતૈસી કરી નાંખી અને નીતિશકુમારને મુખ્યમંત્રી નહીં બનવા દેવા માટે બિહાર વિધાનસભાને બરખાસ્ત કરી નાંખવાની ભલામણ કરી એ પછી સુપ્રીમ કોર્ટે તેમને બરાબરના ઝાટકી નાંખેલા. એ વખતે પણ બુટાસિંહ રાજીનામું આપવા તૈયાર નહોતા અને તેમને રીતસર ધક્કા મારીને જ કાઢવા પડેલા.
અત્યારે બુટાસિંહ જે મામલામાં સંડોવાયેલા છે તે તો વધારે ગંભીર છે. દેશના એક મહત્ત્વના પંચનો ચેરમેન આ રીતે ખુલ્લેઆમ તોડ કરે એ તો નૈતિકતાના અધઃપતનની ચરમસીમા કહેવાય અને આ ગુસ્તાખી માટે બુટાસિંહે રાજીનામું આપવું જ જોઈએ.
બુટાસિંહ તો બેશરમ છે જ તેથી તેમના વલણથી બહુ આઘાત લાગતો નથી પણ કોંગ્રેસે જે રીતે આ મામલે હાથ અદ્ધર કરી દીધા એ ચોક્કસ આઘાતજનક છે. બુટાસિંહને રાજીનામાની ફરજ પાડવી અને ના માને તો લાત મારીને કાઢી મૂકવા એ મનમોહનસિંહ સરકારની નૈતિક ફરજ છે.
બુટાસિંહ કંઈ ઉપરથી ટપકીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પંચના ચેરમેનપદે બેઠા નથી. તેમની નિમણૂક કોંગ્રેસ સરકારે જ કરેલી અને હવે કોંગ્રેસ એવું કઈ રીતે કહી શકે કે બુટાસિંહને પક્ષ સાથે કંઈ લેવાદેવા નથી કેમ કે તેમનો હોદ્દો બંધારણીય છે, પક્ષનો હોદ્દો નથી. આ દેશમાં ભ્રષ્ટાચારને નાથવાની અને ભ્રષ્ટાચારીઓને સજા કરાવવાની ફરજ સરકારની છે અને સરકાર કઈ રીતે પોતાની જવાબદારીમાંથી છટકી શકે? બુટાસિંહની જેમ જ સરકારનો કોઈ પ્રધાન ખુલ્લેઆમ લાંચ લેતાં પકડાય તો સરકાર આવું જ કહે ખરી ? બુટાસિંહને કઈ રીતે દૂર કરવા તેનો રસ્તો સરકારે જ કાઢવાનો હોય. તેમાં તેને પક્ષ સાથે કંઈ લેવાદેવા નથી કેમ કે આ હોદ્દો બંધારણીય છે, પક્ષનો હોદ્દો નથી એવાં ગલ્લાંતલ્લાં ના ચાલે. આ પુણ્યકાર્ય મનમોહનસિંહ સરકારે જ કરવુંં પડે કેમ કે એ તેની ફરજ છે.
રહી વાત બુટાસિંહના ત્રાગાની તો સરકારે બુટાસિંહને તેમનું બોલેલું પાળવાની તક આપવી જોઈએ અને એ પણ આ દેશ પર મોટો ઉપકાર હશે. શરમદાર માણસ હોય તો આવું કંઈ થાય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે. બુટાસિંહમાં શરમ હોત તો બહુ પહેલાં જ એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર્યા હોત પણ એવી અપેક્ષા તેમની પાસેથી રાખવા જેવી નથી. ખેર, એ રીતે નહીં તો આ રીતે, આ પૃથ્વી પરથી બોજ જ ઓછો થશે.
બુટાસિંહ અને વિવાદો
બુટાસિંહના ભ્રષ્ટાચારનો ભાંડો પહેલી વાર ૧૯૯૩માં ફૂટયો હતો જ્યારે બુટાસિંહે નરસિંહરાવ સરકારને બચાવવા માટે જેએમએમ અને અજિતસિંહના પક્ષના સાંસદોને ખરીદવા માટે થયેલી સોદાબાજીમાં દલાલી કરી હતી. આ કેસમાં બુટાસિંહને ત્રણ વર્ષની કેદની સજા પણ ફટકારી હતી પણ પાછળથી છૂટી ગયા હતા.
બુટાસિંહ જૈન હવાલા કૌભાંડમાં પણ ખરડાયા હતા અને તેમનું નામ જૈન બંધુઓ પાસેથી નાણાં લેનારા લોકોની યાદીમાં ચમક્યું હતું. આ કારણે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપતાં તે ઝાલોરમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા. વાજપેયીએ ૧૯૯૮માં ૧૩ મહિના માટે સરકાર ચલાવી ત્યારે બુટાને સંદેશાવ્યવહાર પ્રધાન બનાવ્યા હતા. જો કે થોડાક મહિનાઓ પછી જ જૈન હવાલા કેસમાં તેમની સામે આરોપનામું દાખલ થતાં તેમણે રાજીનામં આપવું પડયું હતું.. એ વખતે બુટાસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે નરસિંહરાવે પોતાને ફસાવવા માટે પોતાનું નામ ખોટી રીતે જૈન હવાલા કેસમાં ઘૂસાડી દીધું છે.
૨૦૦૪માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી પછી બિહારમાં ભાજપ-જેડીયુની સત્તામાં ના આવે એટલા માટે બુટાસિંહને બિહારના રાજ્યપાલ તરીકે મોકલાયા હતા અને તેમણે બંધારણની ઐસીતૈસી કરીને આ કામગીરી બરાબર નિભાવી હતી. ૨૦૦૫ની ચૂંટણીમાં લાલુપ્રસાદનો સફાયો થયો તે પછી બુટાસિંહે ગેરબંધારણીય રીતે નીતિશકુમારને સરકાર નહીં રચવા દીધી હતી અને બિહાર વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ કરી હતી.
એનડીએએ આ ભલામણ સામે સુપ્રીમમાં અરજી કરી તે પછી સુપ્રીમ કોર્ટે બુટાસિંહની ધૂળ કાઢી નાંખી હતી. બુટાસિંહે એ પછી રાજ્યપાલપદેથી રાજીનામું આપવં પડયું હતું. આ રીતે સુપ્રીમ કોર્ટની ટીકા પછી રાજીનામું આપનારા તે પહેલા રાજ્યપાલ છે.

No comments: