Saturday, February 25, 2012

રાજકીય ઇચ્છાશક્તિ હોય તો મોંઘવારી પણ ઘટી શકે. આજે તો ૮ ટકા ફુગાવો છે પણ ૨૦ ટકા હતો


મોરારજીભાઈ દેસાઈએ રાજકીય ઇચ્છાશક્તિ વડે મોંઘવારીને નાથી હતી. ભારતનું સૌથી વધુ ૧૦વાર કેન્દ્રીય બજેટ નાણાં પ્રધાન તરીકે રજૂ કરવાનો તેમનો વિક્રમ હજુ તૂટ્યો નથી.

આજે દેશમાં ઠેરઠેર વામણા પ્રાદેશિક નેતાઓની વણજાર છે. જેમને રાષ્ટ્ર નહીં, પણ રાજ્યનું હિત જ દેખાય છે ત્યારે મોરારજીભાઈ અનેક ગેરસમજો વહોરીને પણ સાચા અર્થમાં પ્રાદેશિક નહીં પણ રાષ્ટ્રીય નેતા બની રહ્યા.

રાજકીય ઇચ્છાશક્તિ હોય તો મોંઘવારી પણ ઘટી શકે. આજે તો ૮ ટકા ફુગાવો છે પણ ૨૦ ટકા હતો તોય મોરારજી દેસાઈએ ઘટાડ્યો હતો. રેશનિંગની દુકાનો પર કાગડા ઊડતા હતા. બજારમાં અને રેશનિંગમાં મળતા ખાંડ-અનાજના ભાવ સરખા હતા. ઘરમાં રેશનિંગ કાર્ડ ક્યાં છે તે શોધવું પડે તેવી સ્થિતિ હતી. આ હતું મોરારજી દેસાઈનું ટૂંકું વડાપ્રધાનપદનું શાસન. ભારતનું સૌથી વધુ ૧૦વાર કેન્દ્રીય બજેટ નાણાં પ્રધાન તરીકે રજૂ કરવાનો તેમનો વિક્રમ હજુ તૂટ્યો નથી. બજેટ અને જન્મદિન બંને ફેબ્રુઆરીના અંતમાં સાથે આવે. જેવું ઉતાર-ચઢાવવાળું એમનું જીવન તેવો દર ૪ વર્ષે આવતો ૨૯ ફેબ્રુઆરીનો તથા દેશી મહિનાનો ધૂળેટીનો જન્મદિન.

આજે તો મોરારજી દેસાઈ સામાન્ય જ્ઞાનના બે પ્રશ્નો બની ગયા છે. દેશના કયા નેતાનો જન્મ દર ચાર વર્ષે આવે છે અને કયા ગુજરાતી દેશના વડાપ્રધાન બન્યા હતા. ગાંધીજીની ૧૦૦ વર્ષ જીવવાની ઇચ્છા પૂરી ન થઈ પણ મોરારજી સો વર્ષનું નિરામય દીર્ઘાયુ જીવી શક્યા. નખ શીખ આધ્યાત્મિક અને ઈશ્વર શ્રદ્ધાળુ પણ ધર્મનો ક્યાંય રાજનીતિમાં લેશમાત્ર ઉપયોગ નહીં. શતાબ્દી પ્રવેશ ટાણે તેમણે રમૂજમાં કહેલું કે હું ૨૫ વર્ષનો થયો ૮૦મા વર્ષે દરિયામાં નહાવા પડનાર અને નિસરણી વિના વિમાનમાંથી કૂદી પડનાર મોરારજીનું સ્વાસ્થ્ય અકબંધ હતું.

૧૯૬૭માં માઉન્ટ બેટનને પૂછવામાં આવ્યું કે ભારતના ભાગલા સમયે તમને પાકિસ્તાન માટે કેવી લાગણી થઈ હતી. પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે, પોતાના ભાંડુ માટે થાય તેવી લાગણી પાકિસ્તાન માટે મને થઈ હતી. કારણ કે લિયાકતઅલીને બાદ કરતાં સરદાર, નેહરુ અને મોરારજીની તોલે આવે એવા સામથ્ર્ય અને વહીવટી સૂઝવાળો કોઈ આગેવાન પાકિસ્તાન પાસે નહતો.

આજે દેશમાં ઠેરઠેર વામણા પ્રાદેશિક નેતાઓની વણજાર છે. જેમને રાષ્ટ્ર નહીં, પણ રાજ્યનું હિત જ દેખાય છે ત્યારે મોરારજી અનેક ગેરસમજો વહોરીને પણ સાચા અર્થમાં પ્રાદેશિક નહીં પણ રાષ્ટ્રીય નેતા બની રહ્યા. અને જિંદગીના ઉત્તરાર્ધમાં લોકશાહી માટે વિપક્ષી એકતા કાજે જનસંઘ સાથે પણ બેઠા તેમજ એક સાચા કોંગ્રેસી હોવા છતાં પ્રથમ બિનકોંગી સરકારનું નેતૃત્વ કર્યું.

આજે નેતાઓની વિશ્વસનીયતાનું એટલું બધુ ધોવાણ થયું છે કે તેમની ખોટી ટીકા હોય તોય લોકો સાચી માની લે છે. પણ ટેકનિકલ કારણોસર મોરારજી હર્ષ સામેનો કેસ અમેરિકામાં હારી ગયા છતાં ભારતના કોઈ નેતા કે મીડિયાએ તેમની ઇમાનદારી સામે શબ્દ પણ લખ્યો કે ઉચ્ચાર્યો નહતો. તેમના કડક ટીકાકાર કરન્ટના કરાકા અને બ્લિટ્ઝના કરંજિયા જેવાઓએ પણ લખ્યું કે મોરારજી અવ્વલ દરજજાના રાષ્ટ્રવાદી અને ઇમાનદાર નેતા છે. બંધ ઓરડામાં મોરારજી ઉપવાસ કરે તોય કોઈ શંકાથી જોતું નહતું.

દાદા ધમૉધિકારીએ કહ્યું હતું કે રાજકારણમાં સિદ્ધાંત માટે શહીદ થવું સહેલું છે પણ તેને પકડીને જીવવું તે કપરું છે. મોરારજીએ બંને કરી બતાવ્યું છે. જેલવાસ અને વનવાસ બંને તેમણે ભોગવ્યા છે. મોરારજી દેશના એક માત્ર એવા નેતા છે કે જેમને પ્રથમ પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ અને ત્યાર બાદ ભારતનું ‘ભારતરત્ન’ મળ્યાં છે. આમ તેમને અખંડ ભારતરત્ન કહીએ તો અયોગ્ય નહીં ગણાય.

જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે મોરારજીના જે ગુણોએ મને આકષ્ર્યો છે તે તેમનું પારદર્શક ચારિત્રય, સ્પષ્ટ વિચારધારા, જીવનમાં ઉતારેલી સ્વયંશિસ્ત અને દ્રઢસંકલ્પનો સ્વભાવ. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા જોડ-તોડ કરતા નથી. વિરોધીઓ સામે ષડ્યંત્ર નથી રચતા. તેમના આ ગુણોને કારણે જ મિત્રો અને દુશ્મનોમાં તેમનું સ્થાન ઊંચું છે. પૂવૉર્ધના મોરારજીના ટીકાકારો ઉત્તરાર્ધમાં મોરારજી સાથે આદરપૂર્વક રાજકારણમાં તેમની સાથે રહ્યા છે.

જો સિદ્ધાંતોની બાંધછોડ કરી હોત, તો ૮૦ વર્ષ સુધી વડાપ્રધાન થવા રાહ જોવી ન પડી હોત અને વધુ સમય પદ પર ટકી રહી શક્યા હોત પણ એવું કરે તે મોરારજી શેના?મોરારજીને ભારતીય રાજનીતિના ભીષ્મપિતામહ તેમના રાજકીય સ્પર્ધક ઇન્દિરાજીએ ગણાવ્યા હતા તો અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે, ઉપવાસ ટાણે મોરારજી મને બાણશૈયા પર સૂતેલા ભીષ્મ લાગ્યા છે. તફાવત માત્ર એટલો જ હતો કે, ભીષ્મ અન્યાય માટે લડ્યા હતા, મોરારજી ન્યાયની લડાઈમાં આત્મોત્સર્ગ માટે કાર્યરત હતા.

મોરારજીભાઈ માટેના કાવ્યમાં વાજપેયીએ લખ્યું છે કે,
‘મૈંને મોરારજીભાઈ કો સત્તા પર દેખા હૈ, સત્યાગ્રહ મેં દેખા હૈ,
કામરાજ કી માયા મેં દેખા હૈ, યમરાજકી છાયા મેં દેખા હૈ.
લોકસભામાં પ્રથમ ઔર અંતિમ પંક્તિ મેં દેખા હૈ
વિરોધીઓં કે વાગ્બાણોં કો ધૈર્ય સે ઝેલતે હુએ દેખા હૈ,
વિરોધીઓં કો ચૂપ કરનેવાલે તીખે ઉત્તર દેતે હુએ ભી દેખા હૈ
સ્વદેશ મેં દેખા હૈ, વિદેશ મેં દેખા હૈ
વિજય ઓર પરાજય મેં ભી દેખા હૈ
મોરારજીભાઈ કહીં ભી હો, કૈસે ભી હો
ઉનકે બારે મેં યૂં કહા જા સકતા હૈ કિ
નઝર ઊંચી, કમર સીધી, ચમકતા રૌબ સે ચહેરા
બૂરા માનો, ભલા માનો, વહી તેજી વહી નખરા.’e="font-weight:bold;">

No comments: