Thursday, August 19, 2010
કાશ્મીરમાં હવે જગમોહન જેવા ભડવીરની જરૃર છે....
કાશ્મીરમાં ફરી ભડકો થયો છે ને પાકિસ્તાનના પિઠ્ઠુઓ ફરી મેદાનમાં આવી ગયા છે. શ્રીનગર સહિત કાશ્મીર ખીણમાં આપણે આપણું લશ્કર મોકલવું પડયું છે પણ લશ્કરથીય મામલો કાબૂમાં આવતો નથી. ચાર દિવસમાં તોફાનોમાં ૧૫ લોકોનાં મોત થઈ ગયાં છે ને આ હોળી ક્યારે ઠરશે તે ખબર નથી. હદ તો એ થઈ ગઈ છે કે તોફાનીઓ પોલીસોનાં કપડાં કાઢીને તેમને ફટકારે છે ને આપણે કંઈ કરી શકતા નથી. એક તરફ ગદ્દારો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે બીજી તરફ આપણા શાસકો દિલ્હીમાં બેઠા બેઠા કાશ્મીરનું શું કરવું તેનાં ફીફાં ખાંડે છે ને બેઠકો ભરીને છૂટા પડે છે, બીજું કશું ય કરતા નથી. જેના મનમાં દેશદાઝ હોય તેવા કોઈપણ ભારતીયને ગુસ્સો ચડી આવે તેવા આ સંજોગો છે પણ તેમાં નવું કશું નથી. વાસ્તવમાં આ ઇતિહાસનું પુનરાવર્તન જ છે અને ત્રીજા ભાગનું કાશ્મીર આપણા હાથમાંથી જતું રહ્યું એ પછીય આપણા શાસકોની અક્કલ ઠેકાણે આવતી નથી.
કાશ્મીર સમસ્યા આપણા માટે કાયમી ગૂમડું થઈ ગયું તેના મૂળમાં કોંગ્રેસ છે પણ આ ગૂમડાનો કાયમી ઈલાજ કરવા માટે નસ્તર મૂકવાની સુવર્ણ તક ભાજપને મળી હતી અને ભાજપના બૂડથલ નેતાઓએ ગાદી સાચવવાની લાયમાં એ તક રીતસર વેડફી જ નાંખી.
ભારત આઝાદ થયું ત્યારથી કાશ્મીરની સમસ્યા હતી પણ એ વખતે આ સમસ્યા નાની ફોડલી જેવી હતી ને સરદાર પટેલ એક ઘા ને બે કટકાની નીતિમાં માનતા હતા ને એક ઝાટકે એ ફોડલીનો નિકાલ કરી નાંખવા માગતા હતા પણ જવાહરલાલ નહેરુને શાંતિદૂત બનવાની ચળ ઊપડેલી એટલે એ મામલો યુનાઈટેડ નેશન્સમાં લઈ ગયા ને તેમણે કંસારની થૂલી કરી નાંખી. આપણી કમનસીબી કે સરદાર લાંબું ના જીવ્યા, બાકી સરદારે આ સમસ્યાનો કાયમી નિકાલ કરી નાંખ્યો હોત. સરદાર ગયા પછી નહેરુને આડો હાથ દેનારું કોઈ હતું નહીં ને નહેરુએ તે પછી ૧૪ વર્ષ લગી દેશ અને કોંગ્રેસ બંનેનો વહીવટ પોતાના બાપની પેઢી હોય તેમ જ ચલાવ્યો ને તેમણે કાશ્મીરની ફોડલીનો ઈલાજ કરવાને બદલે તેને પંપાળી પંપાળીને ગૂમડું કરી નાંખ્યું. લાલબહાદુર શાસ્ત્રી માંડ બે વર્ષ ટક્યાં ને એ બે વર્ષમાંથી મોટા ભાગનો સમય તો પાકિસ્તાન સામેની લડાઈમાં જ જતો રહ્યો એટલે તેમનો વાંક કાઢી શકાય તેમ નથી. શાસ્ત્રી પછી આવેલાં ઈન્દિરાને પોતાની ગાદી ટકાવવામાં અને આખા દેશમાં કોંગ્રેસની એટલે કે પોતાની આણ પ્રવર્તે તેવો રસ હતો તેટલો રસ બીજા કશામાં નહોતો અને આ માનસિકતાને કારણે તેમણે કાશ્મીરના હાલાત સુધારવાને બદલે ત્યાં કઈ રીતે કોંગ્રેસની સત્તા રહે તેના જ પેંતરા કર્યા અને એ રીતે ગાડું ગબડાવ્યા કર્યું. ગુલામ મોહમ્મદ સાદિક નામના પોતાના પિઠ્ઠુને પહેલાં વડાપ્રધાન( એ વખતે કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારના વડાપ્રધાન કહેવાતા) ને પછી મુખ્યમંત્રીપદે બેસાડીને અને એ ગુજરી ગયા પછી સૈૈયદ મીર સાદિકને ગાદીએ બેસાડીને તેમણે રાજ કર્યું.
એ પછી ઈન્દિરાએ શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરીને તેમને ગાદીએ બેસાડી દીધા.
જોકે ઈન્દિરાએ એક કામ સારું કર્યું અને તે જગમોહનને કાશ્મીરના ગવર્નર બનાવવાનું. જગમોહન મલહોત્રા મૂળ તો સંજય ગાંધીની ચમચા ગેંગના સભ્ય હતા ને કટોકટી વખતે જેમનો ભારે આતંક હતો તેમાં જગમોહન એક હતા. કાશ્મીરમાં શેખના મોત પછી તેમના પનોતા પુત્ર ફારૃક ગાદીએ બેઠા હતા અને મૂળ તો ઈન્દિરાએ જગમોહનને ફારૃકને ઊથલાવવા માટે કાશ્મીરના ગવર્નર બનાવીને મોકલેલા અને જગમોહને એ કામ બરાબર પાર પાડીને વફાદારી સાબિત પણ કરી આપેલી ને તેના સરપાવરૃપે ઈન્દિરાએ તેમને કાયમી ધોરણે ત્યાં જ ઠરીઠામ કરી દીધા. ઈન્દિરાની હત્યા પછી રાજીવ આવ્યા ત્યારે તેમણે પણ આ વ્યવસ્થા ચાલુ રાખી હતી અને એ રીતે જગમોહન પૂરાં છ વર્ષ લગી કાશ્મીરમાં ગવર્નર રહ્યાં ને આ છ વર્ષમાં તેમણે જે સપાટો બોલાવ્યો તેને લોકો હજુય યાદ કરે છે.
કાશ્મીરમાં એ વખતે આતંકવાદ ચરમસીમાએ હતો ને કાશ્મીર ખીણમાં ભારતનું નામોનિશાન જ મટી ગયું હતું. રોજ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ થતાં ને આતંકવાદી હુમલા થતાં ને દર વર્ષે ૧૫૦૦ લોકોનાં મોત આ આતંકવાદી હુમલાઓમાં થતાં. ખીણમાં સરકારી ઓફિસોને તાળાં વાગી ગયાં હતાં અને ભારતીય લશ્કરના જવાનો સુદ્ધાં શ્રીનગરમાં પગ મૂકવા તૈયાર નહોતા. જગમોહને કાશ્મીરની એ વખતની સ્થિતિ અને પોતે કેવા સંજોગોમાંથી પસાર થયા તેની વાત પોતાના પુસ્તક ‘માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઈન કાશ્મીર’માં લખી છે ને તે વાંચવા જેવી છે. ખેર, વાત એટલી જ છે કે કાશ્મીર ખીણમાં પાકિસ્તાની પિઠ્ઠુઓ ચડી બેઠા હતા ને તેમનું જ રાજ ચાલતું હતું. ફારૃકને જગમોહને ઘરભેગા કરી દીધેલા એટલે એ પણ પાકિસ્તાનની પંગતમાં બેસીને ભડકો થાય તેવા પ્રયત્નો કરતા હતા ને જગમોહને તેમાંથી રસ્તો કાઢવાનો હતો. જગમોહને એ રસ્તો કાઢી બતાવ્યો અને જ્યારે છ વર્ષ પછી રાજીવે તેમને રવાના કર્યા ત્યાં સુધીમાં તેમણે કાશ્મીરની ગાડી પાટા પર ચડાવી દીધી હતી. જગમોહને એક જ રસ્તો અપનાવ્યો હતો. જે કોઈ પાકિસ્તાનની તરફદારી કરે તેને દેશના દુશ્મન તરીકે ટ્રીટ કરવો અને આતંકવાદીઓને ગોળીએ દેવા. કાશ્મીરમાં આ ફોર્મ્યુલા જ ચાલે એ વાત જગમોહને સાબિત કરી દીધી હતી.
દરમિયાનમાં રાજીવ વિદાય થઈ ગયા હતા ને વિશ્વનાથ પ્રતાપસિંહ ગાદીએ બેસી ગયા હતા ને કાશ્મીરી મુફતી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી હતા. જગમોહનની વિદાય પછી કાશ્મીરમાં ફરી ભડકો થયો અને માત્ર છ મહિનામાં જ ૩૭૪ બોમ્બ બ્લાસ્ટ થયા ને ૧૩૫૦ લોકોનાં મોત થયાં ને એ જ પાછું અરાજકાતનું રાજ. મુફતીએ ફરી જગમોહનને કાશ્મીર મોકલાવ્યા અને બીજી ઈનિંગ્સમાં જગમોહને એવો સપાટો બોલાવ્યો કે કાશ્મીર ખીણમાંથી આતંકવાદીઓ ઊભી પૂંછડીએ ભાગીને પાકિસ્તાન ભેગા થઈ ગયા. કાશ્મીરમાં ૧૯૯૦ પછી આ વખતે પહેલી વાર લશ્કર બોલાવવું પડયું પણ આટલાં વર્ષો જ શાંતિ રહી તેનો યશ જગમોહનને જાય છે. જોકે જગમોહનની આ આક્રમકતા મુફતીને પણ બહુ માફક ના આવી અને તેમણે જગમોહનને રાજ્યસભામાં નોમિનેટ કરાવીને ત્યાંથી પાછા બોલાવી લીધા હતા.
ભાજપ ૧૯૯૮થી ૨૦૦૪નાં છ વર્ષ સત્તામાં હતો ત્યારે જગમોહન તેની સાથે જ હતા અને ભાજપ પાસે ફરી જગમોહનને કાશ્મીરમાં મોકલીને કાશ્મીરમાં જે વધ્યા ઘટયા પાકિસ્તાની પિઠ્ઠુઓ છે તેમનો સફાયો કરી નાંખવાની તક હતી પણ ત્યાં સુધીમાં તકસાધુ ફારૃક ભાજપના પગોમાં આળોટતા થઈ ગયા હતા એટલે ભાજપે તેમને ખુશ રાખવા જગમોહનને દિલ્હીમાં બેસાડી રાખ્યા અને એ તક ગુમાવી.
હવે ફરી કાશ્મીરમાં એ સ્થિતિ છે કે જે ૧૯૮૪-૮૫ કે ૧૯૮૯માં હતી અને ફારૃક અબ્દુલ્લા કે તેમના દીકરા ઓમરમાં એ શહૂર જ નથી કે એ લોકો આ સ્થિતિને કાબૂમાં લઈ શકે. શ્રીનગરમાં જરાક તોફાન થાય કે તરત જ દિલ્હી દોડી આવતા ઓમર જેવા સુંવાળી ચામડીના ને ફટ્ટુસ શાસકોનું કાશ્મીરમાં શાંતિ સ્થાપવાનું ગજું નથી ને તેને માટે જગમોહન જેવો કોઈ માથાનો ફરેલ માણસ જોઈએ. જગમોહન ભાજપની પંગતમાં બેઠા પછી કોંગ્રેસ તેમને કાશ્મીર મોકલે એ શક્ય નથી પણ એકલા જગમોહન પર છાપ મારી નથી. કોંગ્રેસ સારી દાનતથી વિચારે તો જગમોહનનો કોઈ ભાઈ મળી જ આવે ને કોંગ્રેસે એ કરવું જોઈએ. કોંગ્રેસે કાશ્મીર મામલે બહુ પાપ કર્યાં છે ને તેના માટે આ બધાં પાપ ધોવાની આ નાનકડી તક છે. આપણે ઈચ્છીએ કે કોંગ્રેસ એ તક ઝડપી લે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment